પોરબંદર
આજે પોરબંદર અચીવર માં વાત કરશું એક એવી વ્યક્તિ ની જે સદેહે આપણી વચ્ચે નથી પરંતુ આજે પણ એ હજારો યુવાનો નો રોલ મોડેલ બની દિલ માં વસે છે .માત્ર પોરબંદર જ નહી દરેક ભારતવાસી હરહમેશ આ વિભૂતિ ની ઋણી રહેશે.આજે વાત કરીશું પાકિસ્તાન સામે ૧૯૭૧ ના યુદ્ધ દરમ્યાન બહાદુરીપૂર્વક લડત આપી શહીદી વહોરનાર જવામર્દ વીર નાગાર્જુન સિસોદિયા ની ..
ઇતિહાસ તેમને જ યાદ રાખે છે જેમણે સ્વ ને બદલે સમાજ કે રાષ્ટ્રહિત માટે અમૂલ્ય યોગદાન આપ્યું હોય. આજે સાડા ચાર દાયકા પછી પણ શહીદ નાગાર્જુન સીસોદીયા ને પોરબંદર જિલ્લો જ નહિ બલ્કે પૂરું ભારત સજળ નયને યાદ કરે છે. તેનું એક માત્ર કારણ ૨૧ વર્ષની કુમળી વયે ભારત વર્ષની અખંડિતતા અકબંધ રાખવા કાશ્મીરના છામ્બ મોરચે અપ્રિતમ સાહસ , શોર્ય અને બહાદુરી બતાવીને શૂરવીરને શોભે તેવી શહાદત વહોરી હતી…પોરબંદર જિલ્લાના ખમીરવંતા ગામ મોઢવાડા કે જ્યાં સંત – શૂરવીર અને દાતારની અમર કથાઓ ઇતિહાસના પાને પાને અંકિત થયેલી છે. જેમાં અમર શહીદ નાગાર્જુન સીસોદીયા એ ભારતીય સૈન્યમાં દાખવેલી અપ્રિતમ સાહસની વીર ગાથાને કારણે મોઢવાડા સહીત પોરબંદર જિલ્લાને તેમજ મહેર સમાજને વૈશ્વિક ઓળખ અને આ વિસ્તારના ખમીરવંતા મહેર સમાજની અસ્મિતા અને રાષ્ટ્રપ્રેમ ને પ્રસ્થાપિત કર્યો છે. આજની યુવા પેઢીને પ્રેરણા પુરી પડી શકે તેવી રોચક શોર્યકથા શહીદ નાગાર્જુન સીસોદીયા ના મહામુલા બલિદાનમાંથી મળી શકે તેમ છે. આજનો યુવા વર્ગ એટલે જ શહીદ નાગાર્જુન સીસોદીયા ને રોલમોડેલ માને છે.

જન્મ અને બાળપણ
મુળ પોરબંદર પંથકના મોઢવાડા ગામના વતની અને કેન્યાના નાઈરોબી ખાતે વસવાટ કરતા કરશનભાઈ સિસોદિયા અને રૂડીબેનના ઘરે નાગાર્જુન સિસોદિયાનો જન્મ 6 જુન 1950 ના રોજ થયો હતો. બાળપણથી જ સાહસવૃતિ ધરાવતા નાગાર્જુન સિસોદિયાનું બાળપણ કેન્યાના નાઈરોબીમાં વિત્યું હતું.
રાજકુમાર કોલેજ, રાજકોટમાં અભ્યાસ
અભ્યાસ પ્રત્યે લગન અને રૂચી ધરાવતા નાગાર્જુન સિસોદિયાને રાજકોટ ની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા રાજકુમાર કોલેજ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. રાજકુમાર કોલેજ ખાતે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર નાગાર્જુન સિસોદિયાએ રાજકુમાર કોલેજ, રાજકોટ ખાતેના અભ્યાસ દરમિયાન કેટલાય પુરસ્કારો પ્રાપ્ત કર્યા હતા.
નેશનલ ડિફેન્સ એકેડમી : પુનેમાં પ્રવેશ
બાળપણથી જ દિલમાં રહેલી દેશદાઝને પાંખો આપવા માટે નાગાર્જુન સિસોદિયાએ સૈન્ય સ્કૂલમાં પ્રવેશ મેળવવા પ્રવેશ પરીક્ષા પાસ કરીને પુના ખાતે આવેલી સૈનિક સ્કૂલ નેશનલ ડિફેન્સ એકેડમી-પુનામાં પ્રવેશ મેળવીને સૈન્યની ખુબ જ કઠિન કહી શકાય તેવી તાલીમ પ્રાપ્ત કરી હતી. જે સમયે નાગાર્જુન સિસોદિયાએ નેશનલ ડિફેન્સ એેકેડમી-પુના ખાતે જે પ્રવેશ પરીક્ષા આપી હતી તે પરીક્ષા આપી હતી તે પરીક્ષા યુ.પી.એસ.સી. કક્ષાની હતી. જે પરીક્ષા ભાગ્યે જ કોઈ પાસ કરી શકતું હતું. અભ્યાસમાં ખુબ જ તેજસ્વી એવા નાગાર્જુન સિસોદિયાએ સફળતાપૂર્વક નેશનલ ડિફેન્સ એકેડમીની તાલીમ પ્રાપ્ત કરી હતી. સાથે-સાથે દહેરાદુન ખાતે આવેલ આર્મી મિલિટરી એકેડમી ઉત્તર પ્રદેશ ખાતે પણ ખુબ જ કઠિન કહી શકાય તેવી તાલીમ અને ઈન્ડિયન આર્મીનો અભ્યાસ કર્યો હતો.

સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે ગુરખા રેજીમેન્ટમાં ભરતી
નેશનલ ડિફેન્સ એેકેડમી, પુને અને દહેરાદુન ખાતે આવેલ આર્મી મિલિટરી એકેડમી ખાતે અભ્યાસ અને તાલીમ પ્રાપ્ત કરવાની સાથે સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેજસ્વી યુવાન નાગાર્જુન સિસોદિયાની ઈન્ડિયન આર્મીની ગુરખા રેજીમેન્ટમાં નિયુક્તિ મળી હતી. નેશનલ ડિફેન્સ એકેડમીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી સાથે માત્ર 21 વર્ષી યુવાન વયે ભારતીય સૈન્યમાં ઓફિસર તરીકે ક્લાસ વનની પદવી સાથે નિયુક્ત થનાર નાગાર્જુન સિસોદિયાને કાશ્મીરના છામ્બ મોરચે પોસ્ટીંગ મળ્યું હતું.

1971 માં ખેલાયેલું ભારત-પાકિસ્તાનનું ભીષણ યુદ્ધ
ભારત-પાકિસ્તાન વચ્ચે 1971 માં ભીષણ યુદ્ધ ખેલાયું હતું. તે સમયે પોરબંદર વિસ્તારના પનોતા પુત્ર નાગાર્જુન સિસોદિયાએ સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે ઈન્ડિયન આર્મીની ગુરખા રેજીમેન્ટ શાખામાં બહાદુરીપૂર્વક ફરજ બજાવીને દુશ્મન દેશ પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખ્યા હતા. કાશ્મીરને ભારતથી અલગ કરી દેવાની મેલી મુરાદને નાકામ બનાવી દેનાર ઈન્ડિયન આર્મીના આ બહાદુર જવાને કશ્મીરની ખુબ જ સંવેદનશીલ એવી છામ્બ સરહદ ખાતે લડત આપી હતી.
13 ડિસેમ્બર 1971 ના રોજ શહાદત
1971 માં ભારત-પાકિસ્તાન વચ્ચે ખેલાયેલા ભીષણ યુદ્ધમાં કશ્મીરના સંવેદનશીલ એવા છાંમ્બ મોરચે ઈન્ડિયન આર્મીની ખુબ જ મહત્વપૂર્ણ એવી ગુરખા રેજીમેન્ટમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે ફરજ બજાવતા વિર નાગાર્જુન સિસોદિયાએ દુશ્મન દેશ પાકિસ્તાન સામે લડતાં લડતાં બહાદુરીપૂર્વક 13 ડિસેમ્બર 1971 ના રોજ મા ભોમની રક્ષા કાજે શહાદત વહોરી હતી.
નાગાર્જુન સીસોદીયા એ દાખવેલું શોર્ય થ્રિલર સ્ટોરી ને પણ ટપી જાય તેવું વીરતાપૂર્ણ
૧૯૭૧ માં બાંગ્લાદેશ ને પાકિસ્તાનના સરમુખત્યાર શાસનથી મુક્ત કરાવી પૂર્ણ લોકશાહી દેશનું સર્જન કરવા માટે ભારત – પાકિસ્તાન વચ્ચે ખેલાયેલા ભીષણ યુદ્ધની કથા જેટલી રોચક રોમાંચક અને થ્રિલર થી ભરેલી છે. તેટલી જ રોમાંચક કથા સેકન્ડ લેફટનન્ટ તરીકે કાશ્મીરના સંવેદનશીલ છામ્બ સેક્ટરમાં ” રીસર્ચ ઍન્ડ એનાલીસીસ ” વીંગમાં ફરજ બજાવતા નાગાર્જૂન સિસોદિયા ઍ પાકીસ્તાનની સીમામાં ઘુસીને તેમની વ્યુહ રચના , શસ્ત્ર સરંજામ , સંખ્યાબળ , ભૌગોલિક સ્થિતિ અંગે તલ સ્પર્શી માહિતીને ભારતીય સૈન્ય ના અધિકારીઓને સુપ્રત કરે તે પહેલાં જ પાકિસ્તાન તરફથી થયેલા ધાણીફૂટ ગોળીબારમાં ૩૨ જેટલી ગોળીઓ થી નાગાર્જુન સીસોદીયા નું શરીર ચારણી થઇ ગયું હતું તેમ છતાં એ ઝખ્મી હાલતમાં પણ ભારતીય સૈન્યના અધિકારીઓને પાકિસ્તાનની વ્યૂહરચના બાબતે જાતે જ પાકિસ્તાનની સીમમાં ઘૂસીને તૈયાર કરેલો તલસ્પર્શી અહેવાલ રજુ કરીને આખરી શ્વાસ લીધા હતા. બોલીવુડ કે હોલીવુડની વોર ફિલ્મમાં નાયક ના પાત્રની જેમ જ રીયલ લાઈફમાં પણ અમર શહીદ નાગાર્જુન સિસોદિયા એ દાખવેલું શોર્ય ભારતીય આર્મીના અપ્રિતમ સાહસના શ્રેષ્ઠ ઉદાહરણોમાં સ્થાન પ્રાપ્ત કરેલું છે જે પોરબંદર માટે ગૌરવની વાત છે.. જો કે તેઓએ જે પ્રકારે શહાદત વહોરી હતી તે જોતા તેઓને ભારત સરકારે મરણોતર શૌર્ય ચક્ર અથવા પરમવીર ચક્ર થી સન્માનિત કરવા જોઈએ કારણ કે તેઓએ શત્રુ ની એક ગોળી ખાઈ અને સરહદ પર શહાદત નથી વહોરી. પણ ૩૨-૩૨ ગોળીઓ ખાઈ ને પણ જ્યાં સુધી દેશ હિત માં પોતે એકત્ર કરેલી સમગ્ર માહિતી ઉપરી અધિકારીઓ ને આપી ન હતી ત્યાં સુધી શ્વાસ છોડ્યા ન હતા અને આમ મરતા મરતા પણ દેશ ને યુદ્ધ માં વિજેતા બનવા માટે નો પાયો તેઓએ તૈયાર કર્યો હતો. જેના આધારે ૭૧ ના યુદ્ધ માં ભારત ની જીત થઇ હતી

આજે નાગાર્જુન સીસોદીયા હયાત હોત તો ચીફ ઓફ આર્મી સ્ટાફ જરૂર હોત
૨૧ વર્ષની કુમળી વયે ક્લાસ વન અધિકારી તરીકે સેકન્ડ લેફટનન્ટ તરીકે શહાદત વહોરનાર નાગાર્જુન સીસોદીયા જો આજે હયાત હોત તો તેમની કાબેલિયત અને બહાદુરી અને નેતૃત્વ શક્તિના પ્રતાપે ભારતીય સૈન્યની ટોપ પોસ્ટ ” ચીફ ઓફ આર્મી સ્ટાફ ” અથવા સમકક્ષની પોસ્ટ જરૂરથી શોભાવતા હોત.
નાગાર્જુન સિસોદિયા સ્મારક ટ્રસ્ટની સ્થાપ ના
શહિદ નાગાર્જુન સિસોદીયાની મહામુલી શહાદતને વંદન કરવા અને તેમની સ્મૃતિઓને જીવંત રાખવા માટે શહિદ વિર નાગાર્જુન સિસોદિયા સ્મારક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. આ ટ્રસ્ટ ની સ્થાપના સ્વ રામજીભાઈ પાડલીયા,રામદેવભાઈ મોઢવાડિયા તથા નાગાર્જુનસિસોદિયા ના પિતા કરશનભાઇ વગેરે દ્વારા કરવામાં આવી હતી અને ટ્રસ્ટ દ્વારા સ્વ નાગાર્જુન સિસોદિયા ની સ્મૃતિ માં અવારનવાર વિવિધ મેડીકલ કેમ્પ,ક્રિકેટ અને ટેબલ ટેનીસ સહીત ની રમત ની ટુર્નામેન્ટ ,સંસ્કૃતિક કાર્યક્રમો વગેરે નું આયોજન કરવામાં આવે છે. એ સિવાય મોઢવાડા ખાતે આ ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તાર ના બાળકો માટે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ ની ધો ૧ થી ૮ સુધી ની એક શાળા પણ ચલાવવામાં આવે છે .પોરબંદર ના ખડા વિસ્તાર ની એક શાળા ને પણ સ્વ નાગાર્જુન સિસોદિયા નું નામ અપાયું છે. તો દેગામ અને બાબડા વચ્ચે ના એક બસ સ્ટેન્ડ ને પણ શહીદ નાગાર્જુન સિસોદિયા નામ અપાયું છે પોરબંદર શહેર ના એસટી ડેપો થી હાથી ટાંકી સુધી ના રસ્તા નું નામ શહીદ નાગાર્જુન સિસોદિયા માર્ગ નામકરણ કરાયું છે ઉપરાંત ટ્રસ્ટ દ્વારા જેમના દ્વારા દર વર્ષે ૧૩ ડીસેમ્બર ના રોજ શહિદની પાવન સ્મૃતિમાં નિર્માણ પામેલા શહિદ નાગાર્જુન સિસોદિયા સ્મારક ખાતે પુણ્યતિથિ સમારોહનું આયોજન કરવામાં આવે છે.અને રાષ્ટ્ર નિર્માણ માં યુવાનો નું યોગદાન વક્તવ્ય સહીત ના વિવિધ મુદાઓ ને લઇ અને વક્તવ્ય પણ યોજવામાં આવે છે .
અનેક મહાનુભાવો એ પુણ્યતિથી સમારોહ માં હાજરી આપી
સ્વ નાગાર્જુન સિસોદિયા ની સ્મૃતિ માં દર વરસે યોજાતા શ્રધાંજલિ સમારોહ માં દર વર્ષે જુદા-જુદા ક્ષેત્રના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહીને વક્તવ્ય આપે છે. દર વર્ષે શહિદ નાગાર્જુન સિસોદિયાની પુણ્યતિથિ પર યોજાતા પુણ્યતિથિ સમારોહમાં અત્યારસુધીમાં જુદા-જુદા ક્ષેત્રના મહાનુભાવો જેવા કે મુંબઈના ભુતપૂર્વ મ્યુનિસિપલ કમિશ્ર્નર ગોવિંદ રાઘો ખૈરનાર, ભારતીય સૈન્યમાં ભારતીય સૈન્યના વડા તરીકે ફરજ બજાવનાર અને 1971 ના યુદ્ધ વખતે પાકિસ્તાનના 90 હજાર યુદ્ધ કેદીઓ અને પાકિસ્તાનના સેનાપતિ જનરલ નિયાજીએ જેમની પાસે શરણાગતિ સ્વીકારી હતી તે બહાદુર યૌદ્ધા જનરલ જગજીતસિંહ અરૌરા, આચાર્ય ઘનશ્યામજી મહારાજ, દ્વારકા શારદાપીઠના દંડી સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ, ભારતના બંધારણીય નિષ્ણાંત ડો. સુભાષ કશ્યપ, રાષ્ટ્રીય સંત અને પ્રખર વક્તા એવા સ્વામી ધર્મબંધુજી મહારાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી ચુક્યા છે.

શહીદના જીવનમાંથી આજની યુવા પેઢી પ્રેરણા મેળવે આજથી ૪૮ વર્ષ પૂર્વે શહીદ નાગાર્જુન સિસોદિયા એ ભારત – પાકિસ્તાન વચ્ચે ખેલાયેલા ભીષણ યુદ્ધમાં રાષ્ટ્રપ્રેમ ખાતર જે શહાદત વહોરી હતી. નાગાર્જુન સિસોદિયા ની અનમોલ શહાદત અને રાષ્ટ્ર પ્રેમ માંથી આજની યુવા પેઢી પ્રેરિત થાય તે હેતુ સાથે લખાયેલ આ આર્ટીકલ માં દેવશીભાઈ મોઢવાડિયા નો પણ સહકાર રહ્યો છે તે બદલ તેમનો પણ આભારી છું
આવતા અઠવાડિયે ફરી મળીશું એક નવા અચીવર ની વાત લઇ ને
આપને આ વિભાગ કેવો લાગે છે.આ અંગે આપનો અભિપ્રાય ચોક્કસ થી જણાવજો
email id –porbandartimes@gmail.com
વોટસેપ મારફત પણ ૯૯૨૪૧૮૭૩૮૩ નંબર પર આપનો અભિપ્રાય જણાવી શકો છો

-નિપુલ પોપટ