Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં ઉજવાયો ટ્રક નો ૩૬ મો જન્મદિવસ :જાણો પોરબંદર ના ટ્રકપ્રેમી પરિવાર ની રસપ્રદ દાસ્તાન પોરબંદર ટાઈમ્સ ના આ ખાસ અહેવાલ માં

પોરબંદર

આજના આધુનિક અને ટેકનોલોજીના જમાનામાં અવનવા વાહનોની ભરમાર એટલી વધી છે કે નવા-નવા મોડેલ બજારમાં આવે એટલે જૂના વાહનો બે-ચાર વર્ષ વાપરીને વેચી નાખવામાં આવતા હોય છે.પરંતુ પોરબંદરમાં એક ટ્રક પ્રેમી પરિવાર એવો છે કે જે છેલા ૩૫ વર્ષથી પોતાના લક્કી ટ્રક ને પરિવારના સભ્યની જેમ જ સાચવે છે અને દર વર્ષે તેનો જન્મદિવસ ઉજવે છે. ત્યારે તાજેતરમાં તેના ૩૬ મા જન્મદિવસ નિમીતે “હેપ્પી બર્થ ડે ટુ યુ જી.ટી.ડબલ્યુ. ૪૦૧૨….હેપ્પી બર્થ ડે ટુ યુ જી.ટી.ડબલ્યુ. ૪૦૧૨…” ના સૂર વહેતા થયા હતા ! અને સમગ્ર પરિવારે સાથે મળી ટ્રક નો જન્મદિવસ ઉજવ્યો હતો
ઈ.સ. ૧૯૮૩ માં બે લાખ રૂપીયામાં ખરીદ્યો હતો ટ્રક
મુળ ગોસા ટુકડાના તથા હાલ પોરબંદરના ઉદ્યોગનગર આશાપુરા કોર્નર નજીક અનાજ કરીયાણાની દુકાન ધરાવતા નરસીભાઈ જોષીએ જણાવ્યું હતું કે તેના પિતા પરસોતમભાઈ જેઠાભાઈ જોષીએ તા.૭/૧૦/૧૯૮૩ ના રોજ ટ્રક ની ખરીદી કરી હતી. એ સમયે પોરબંદર કે સૌરાષ્ટ્રમાં ટ્રક તૈયાર મળતા નહીં તેથી સેલવાસ ખાતે શો-રૂમમાંથી એ સમયે બે લાખ રૂપીયાના ખર્ચે બોડી સહિત કમ્પ્લીટ ટ્રક તૈયાર થયો હતો. જી.ટી.ડબલ્યુ. ૪૦૧૨ નંબરનો આ ટ્રક આ પરિવાર માટે ખૂબ જ લક્કી સાબિત થયો હતો.
પિતા-પુત્ર એ ચલાવ્યો વર્ષો સુધી ટ્રક
પરસોતમભાઈ જેઠાભાઈ જોષી તથા તેમના બે પુત્રો સેલવાસ રહેતા મોહનભાઈ અને પોરબંદર રહેતા નરસીભાઈએ વર્ષો સુધી આ ટ્રક ચલાવ્યો છે. અંબુજા સિમેન્ટ કંપની ઉપરાંત પોરબંદર પંથકમાં નીકળતા લાઈમ સ્ટોન અને બિલ્ડીંગ સ્ટોન સહિત કાંકરીની હેરાફેરી માટે આ ટ્રકનો ઉપયોગ કરવામાં આવે છે અને વર્ષો સુધી પિતા-પુત્રોએ જાતે ટ્રક ચલાવ્યા બાદ હાલ ડ્રાઈવર રાખીને તેને કાર્યરત રાખવામાં આવ્યો છે.
દર વર્ષે ટ્રકના જન્મદિવસની ઉજવણી
લોકો પોતાનો અને પોતાના સંતાનો પરિવારજનો નો જન્મદિવસ ઉજવતા હોય છે તો ઘણી વખત પોતાના વહાલસોયા પાલતુ પ્રાણીઓના જન્મદિવસની પણ ઉજવણી થતી હોય છે. પરંતુ પોરબંદરના નરસીભાઈ જોષી અને તેમનો પરિવાર દર વર્ષે પોતાના ટ્રકના જન્મદિવસની ઉજવણી કરે છે અને કેક કાપીને “હેપ્પી બર્થ ડે તો યુ જી ટી.ડબલ્યુ. ૪૦૧૨….હેપ્પી બર્થ ડે ટુ યુ જી.ટી.ડબલ્યુ. ૪૦૧૨…” ના સૂર વહેતા કરીને ટ્રકના બર્થડે ની રંગારંગ ઉજવણી કરીને ખુશાલી મનાવે છે.
પરિવાર માટે લક્કી છે ટ્રક
વાહન પ્રત્યે પરિવારના સભ્ય જેવો જ લગાવ ધરાવતા નરસીભાઈ જોષીએ જણાવ્યું હતું કે તેમના પરિવાર માટે આ ટ્રક ખૂબ જ લક્કી છે. ૧૯૮૩ ની સાલમાં પિતા પરસોતમભાઈએ ખરીદી કરી ત્યારબાદ તેમના પરિવારની ખૂબ જ ચડતી થઈ છે. એટલું જ નહીં, પરંતુ કોઈ વેપારીઓ આ ટ્રકમાં માલ લઈ જાય તેઓને પણ સારો એવો ફાયદો થયો છે તેવું આ પરિવાર માને છે. તેથી જ લક્કી બની ગયેલા ટ્રક નું જીવ ની જેમ જતન કરે છે અને જન્મદિવસની ઉજવણી પણ કરે છે.
જીંદગીમાં ક્યારેય ટ્રક વેચવો નથી
આ પરિવારે એવું જણાવ્યું હતું કે તેમના ટ્રક ના ખરીદદારો ઘણાં આવે છે અને મોં માગ્યા દામ આપવા માટે તૈયાર થાય છે. પરંતુ જીંદગીમાં ક્યારેય આ ટ્રક અમારે વેચવો નથી, નરસીભાઈના પુત્રએ પણ જણાવ્યું હતું કે તે દાદા અને પિતાના પગલે ચાલીને ટ્રકને વ્યવસ્થિત રીતે સાચવશે.આમ. પોરબંદરમાં અનોખા ટૂક પ્રેમી પરિવાર દ્વારા તેમની ગાડીનો જન્મદિવરા ઉજવવામાં આવે છે તે વાતથી ટ્રકપ્રેમીઓ પણ ખુશખુશાલ બની જાય છે.
એકપણ પોલીસ ફરિયાદ થઈ નથી
સામાન્ય રીતે વાહનો આટલું લાંબુ આયુષ્ય ભોગવે ત્યારે તે વધુ ડ્રાઈવીંગને કારણે ખખડધજ બની જતા હોય છે અને તેથી આવા વાહનોથી નાના-મોટા અકસ્માતો થતા હોય છે. ઘણી વખત ગંભીર અકસ્માતોમાં પોલીસ ફરિયાદો પણ થતી હોય છે. પરંતુ આ ટ્રક સામે એક પણ પોલીસ ફરિયાદ હજુ સુધી ૩૬ વર્ષમાં નોંધાઈ નથી તેમ પણ તેઓએ ઉમેર્યું હતું
વર્ષે એક થી સવા લાખનો મેઈન્ટેનન્સ ખર્ચ
૩૫ વર્ષ પહેલા ખરીધો હતો તે જ પરિસ્થિતીમાં આ ટ્રક અત્યારે જોવા મળી રહ્યો છે, ત્યારે તેની પાછળનું કારણ જણાવતા ટ્રક માલિક નરસીભાઈ જોષીએ જણાવ્યું હતું કે દર વર્ષે તેઓ ટ્રક પાછળ એક થી સવા લાખ રૂપીયાનો મેઈન્ટેનન્સ ખર્ચ કરે છે. બોડી અને કેબીન સહિત એન્જીનના સમારકામની કામગીરી નિયમિત રીતે થાય છે તેથી ટ્રકમાં કોઈ ગંભીર ખોટકો સર્જાતો નથી.
ડીઝલનો લીટરનો ભાવ ૨ રૂપીયા ૨૨ પૈસા હતો
જ્યારે આ ટ્રક ખરીદવામાં આવ્યો એ સમયે ડીઝલનો લીટરનો ભાવ ૨ રૂપીયા ૨૨ પૈસા જેવો નજીવો હતો. જ્યારે આજે ડીઝલનો ૬૮ થી ૭૦ રૂપીયા જેવો એક લીટર ડીઝલનો ભાવ થઈ ગયો છે. વાહન જુનું થાય તેમ વધુ ઈંધણની જરૂરીયાત રહે છે પરંતુ આ ટ્રકને નિયમિત રીતે સર્વિસ કરાવવામાં આવતો હોવાથી એવરેજ પણ સારી આપે છે તેમ તેઓએ ઉમેર્યું હતું.
ટ્રક “તંદુરસ્ત છે” તેવું દર વર્ષે ફિટનેસ સર્ટિ. કાઢવાની કામગીરી
આર.ટી.ઓ, ના તમામ નીતિ-નિયમોનું પાલન ટ્રક ખરીદવામાં આવ્યો ત્યારે ઈ.સ, ૧૯૮૩ની સાલથી કરવામાં આવે છે તેમ જણાવીને ટ્રક માલિકે ઉમેર્યું હતું કે દર વર્ષે મારો ટ્રક તૂંદુરસ્ત છે તેવું ફિટનેસ સર્ટિ. આરટીઓ માંથી નિયમિત રીતે કઢાવવામાં આવે છે.
એ બાળકી બચી ગઈ ત્યારથી ટ્રક વધુ લક્કી સાબિત થયો
વાહનો ચલાવાતાં હોય ત્યારે અકસ્માતોની સંભાવના વધી જતી હોય છે ત્યારે પોરબંદરના ટ્રક માલિક નરસીભાઈ જોશી એ તેમના જીવનનો યાદગાર કિસ્સો વર્ણવતા જણાવ્યું હતું કે તેઓ ૧૪ વરસ પૂર્વે છાંયા વિસ્તારમાં માલ ભરીને નીકળ્યા ત્યારે અચાનક એક બાળકી મકર સંક્રાંતિનું પર્વ હોવાથી પતંગ પાછળ દોડતી રોડ ક્રોસ કરતી હતી ત્યારે ટ્રકના આગળના વ્હીલ પછીના ભાગે તે પડી ગઈ હતી અને નરસીભાઈએ જોરદાર બ્રેક મારી દેતા પાછલો જોટો બાળકી ઉપર ફરી વળે તે પહેલા જ ટ્રક ઊભો રહી ગયો હતો અને તાત્કાલીક નીચે ઉતરીને પોતે જોયું તો બાળકી ને જમીન ઉપર ઘસડાવાને લીધે નજીવી ઈજા થઈ હતી. ટ્રક ને લીધે કોઈ જ ઈજા થઈ નહીં હોવાથી ટ્રક તેમના માટે વધુ લક્કી સાબિત થયો હતો, તે ઉપરાંત હાઈવે ઉપર પણ ઘણી વખત ઝોંકુ આવી જવા છતાં ક્યારેય કોઈ અકસ્માત સર્જાયો નથી તે ઈશ્વર અને ટ્રકની કૃપા છે તેમ ઉમેર્યુ હતું.

મિત્રો ,પોરબંદર ટાઈમ્સ દ્વારા પોરબંદરવાસીઓ ને દર વખતે કૈક નવું આપવાનો પ્રયાસ હમેશા રહ્યો છે આ ખાસ અહેવાલ આપને કેવો લાગ્યો તે અંગે આપના પ્રતિભાવો અમને આ ઈમેઈલ આઈડી પર મોકલી આપો
porbandartimes@gmail.com

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે