પોરબંદર
સરકારી યોજનાઓના ફોર્મ ભરવા માટે લોકો હેરાન-પરેશાન થતાં હોય છે ત્યારે પોરબંદરમાં ખારવાસમાજે નવી પહેલ કરીને સરકારી યોજનાઓના ફોર્મ ભરવા માટેની સુવિદ્યા સમાજ દ્વારા જ શરૂ કરવામાં આવતા સમાજના હજજારો લોકોને તેનો લાભ થશે.
શ્રી પોરબંદર સમસ્ત ખારવાજ્ઞાતિ દ્વારા ખારવાજ્ઞાતિના લોકો માટે રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના ફોર્મ જેવા કે, વિધવા સહાય યોજના ફોર્મ, વૃધ્ધ નિરાધાર યોજના ફોર્મ, મા કાર્ડ તથા મા અમૃતમ યોજનાના કાર્ડ, વિદ્યાર્થીઓ માટે જુદી-જુદી પ્રકારની સ્કોલરશીપ યોજનાના ફોર્મ, રોજગારી મેળવવા માટેના ઓનલાઇન તથા ઓફલાઇન ફોર્મ જેવી સામાજીક સેવાઓના લાભો મેળવવા માટે એક અલગથી સરકારી યોજનાઓ મેળવવા માટે એક અલાયદો નવા વિભાગની શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં તાલીમ પામેલ સ્ટાફ દ્વારા સરકારી યોજનાઓના ફોર્મ ભરી સરકારમાં મંજુરી માટે મોકલવામાં આવશે. આમ સરકારની વિવિધ યોજનાઓ જરૂરીયાત વાળા માણસો સુધી પહોંચાડવા માટે પોરબંદર સમસ્ત ખારવાજ્ઞાતિના વાણોટ પ્રેમજીભાઇ ખુદાઇ, અધ્યક્ષ રણછોડભાઇ શિયાળ, ઉપપ્રમુખ અશ્ર્વિનભાઈ જુંગી જ્ઞાતિના પંચ-પટેલો તથા જ્ઞાતિ આગેવાન અને સમસ્ત ખારવાજ્ઞાતિ મહીલા કારોબારી સમિતિના બહેનોની વિશાળ ઉપસ્થિતીમાં આ કામગીરીનો શુભારંભ વાણોટ પ્રેમજીભાઇ ખુદાઇ દ્વારા દિપ પ્રગટીકરણ કરી કરવામાં આવેલ. આ પ્રસંગે વાણોટ પ્રેમજીભાઇ ખુદાઇએ જણાવેલ કે, ખારવાજ્ઞાતિના ઉચ્ચ શિક્ષક યુવાનો અને યુવતીઓને સામાજીક સેવાઓની ખાસ તાલીમ આપી તેમને નોકરીએ રાખવામાં આવેલ છે અને આ ટીમ દ્વારા ખારવાજ્ઞાતિના લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો મેળવવા માટેની તમામ કામગીરીઓ કરવામાં આવશે. પોરબંદર સમસ્ત ખાનરવાજ્ઞાતિ પંચાયત મંદિર, ખારવાવાડ, પોરબંદર ખાતે સવારના 10 થી 1 અને સાંજના 4 થી 7 વાગ્યા સુધી રવિવાર સિવાયના તમામ દિવસોમાં આ કામગીરી કરવામાં આવશે.
શરૂઆતના દિવસોમાં ખારવાજ્ઞાતિની વિધવા બહેનો માટે વિધવા સહાયના ફોર્મ તથા વૃધ્ધો અને નિરાધાર માટે વૃધ્ધ સહાયના ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. ખારવાજ્ઞાતિના જે બહેનો સરકારની વિધવા સહાયની રકમ તથા 60 વર્ષથી ઉપરની ઉમર ધરાવતા વૃધ્ધ ભાઇઓ-બહેનો માટે વૃધ્ધ સહાયની રકમ મેળવવા માટેના ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહેલ છે, તો આ કામગીરી માટે પોરબંદર સમસ્ત ખારવાજ્ઞાતિ પંચાયત મંદિર, ખારવાવાડ, પોરબંદર ખાતે રૂબરૂ આવી ફોર્મ ભરી જવા. આ કામગીરી માટે ખારવા સમાજ મહીલા કારોબારી સમિતિ તથા મહીલા એડવાઇઝરી સમિતિના બહેનોની ટીમ જહેમત ઉઠાવી વિવિધ સહકારી યોજનાઓના લાભો જરૂરીયાતમંદ સુધી પહોંચાડવા ભગીરથ કાર્ય કરી રહેલ છે.