પોરબંદર
અરબી સમુદ્રમાં બનેલું ડીપ્રેશન ડીપડીપ્રેશન બની વાવાઝોડામાં પરીવર્તીત થયું છે. આ ‘વાયુ’ નામનું વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફ ધસમસી રહ્યું છે. હાલમાં આ વાવાઝોડુ વેરાવળથી ઉતર દિશા માં ૨૮૦ કિ.મી. દૂર છે અને પોરબંદર થી ઉતરે ૩૬૦ કિમી દુર છે દરિયામાં ૧૪ કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડુ દરીયામાંથી જમીન ઉપર આવશે ત્યારે તેની તિવ્રતા અતિ હશે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર સોમનાથ, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લાઓમાં સૌથી વધુ અસર કરશે. આવતીકાલનો દિવસ મહત્વનો છે હાલ પોરબંદર ના બંદર પર નવ નંબર નું સિગ્નલ લગાવવામાં આવ્યું છે નવ નંબર ના સિગ્નલ નો અર્થ મહાભય હોવાનો અને ભારે જોર વાળું વાવાઝોડું બંદર થી ઉતર તરફ કિનારો ઓળંગવાનો સંભવ છે જેથી બંદરે બહુ જ તોફાની હવા નો અનુભવ થાય તે છે
કોસ્ટગાર્ડ પણ સતર્ક :
કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર ખાતે આજે કોસ્ટગાર્ડ ના ડીજી ઇકબાલસિંહ ચૌહાણે એક પત્રકાર પરિષદ બોલાવી હતી જેમાં તેઓએ જાણકારી આપી હતી કે અરબી સમુદ્રમાં વાવાઝોડાંના પગલે રાજ્યમાં આવનારા સંકટને પહોંચી વળવા માટે આર્મી, એરફોર્સ અને કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી રહી છે. વાયુ વાવાઝોડાંના પગલે કોસ્ટગાર્ડે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. વાવાઝોડાં દરમિયાન દરિયામાં રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન માટે કોસ્ટગાર્ડ દ્વારા દમણ અને અમદાવાદમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડના એરક્રાફ્ટને જ્યારે ઓખા, જખૌ અને મુદ્રામાં શીપને તૈનાત કરવામાં આવી છે. શીપ અને એરક્રાફ્ટ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
વહીવટીતંત્ર દ્વારા ૩૫૦૦૦ લોકો નું સ્થળાંતર

વાયુ” વાવાઝોડાની આફતથી જાન-માલનું નુકશાન ટાળવા પોરબંદર જિલ્લા વહિવટીતંત્ર મીશન મોડમાં કામગીરી કરી રહ્યુ છે. જિલ્લા કલેકટર મુકેશ પંડ્યાના માર્ગદર્શન તળે જિલ્લા પોલીસ, પંચાયત, માર્ગ મકાન, નગરપાલીકાતંત્ર, શિક્ષણ, ખેતીવાડી, આરોગ્ય સહિત તમામ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સતત કલાક ફરજ બજાવી રહ્યા છે. આજે સાંજે છ કલાક સુધીમાં ૩૫૮૬૨ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી દેવામાં આવ્યુ છે. તેમ પોરબંદર જિલ્લા પ્રભારી મંત્રી જયેશભાઇ રાદડીયાએ જણાવ્યુ હતું.
સ્થળાંતર કરાયેલા લોકોમાં પોરબંદર તાલુકાનાં ૩૫ ગામનાં ૨૪૯૯૬ રાણાવાવ તાલુકાનાં ૩૧ ગામનાં ૩૧૯૧ અને કુતિયાણા તાલુકાના ૨૩ ગામનાં ૬૮૭૫ એમ કુલ ૮૯ ગામનાં ૩૫૮૬૨ લોકોનો સમાવેશ થાય છે. તેમના માટે આશ્રયસ્થાનો પર ફુડ પેકેટ, ભોજન અને પાણીની વ્યવસ્થા સ્થાનીક સ્તરે કરવામાં આવી છે. જિલ્લાની સામાજીક સ્વૈચ્છીક સંસ્થાઓ પણ સહયોગી બની રહી છે,
પોરબંદર જિલ્લાને ૧૧૦ કિ.મી. જેટલો લાંબો દરિયા કિનારો હોય દરિયામાં ગયેલી તમામ બોટ હોડીઓને તેમજ માછીમારોને પરત બોલાવી લેવાયા છે. જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહીલ, જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા, પ્રાંત અધિકારી કે.વી.બાટી, અંસારી તેમજ મામલતદારઓ તાલુકા વિકાસ અધિકારીઓ સતત ફિલ્ડમાં ફરી લોકોના સ્થળાંતરમાં સહયોગી થઇ રહ્યા છે.
પોરબંદર જિલ્લાને NDRF ૩ ટીમ ફાળવવામાં આવી છે તેમણે પોરબંદર ઉપરાંત માધવપુર ખાતે કામગીરી સંભાળી લીધી છે. રાણાવાવ અને કુતિયાણામાં NDRFની ટીમ તૈનાત રહેશે. જ્યારે SDRF ના જવાનો છાંયા, બળેજ, મીયાણી, વિસાવાડા, કડેગી અને મહિયારી તેમજ આસપાસના વિસ્તારોમાં કામગીરી સંભાળશે. ઉપરાંત આર્મીના ૨૨ જવાનો પોરબંદર, ૨૨ જવાનો ગોરસર તથા ૨૩ જવાનો માધવપુર ખાતે ૬ ઓફીસરો સાથે ફરજ બજાવશે.
વાયુ વાવાઝોડાથી પોરબંદર જિલ્લામાં પ્રભાવીત થનાર ગામોમાં કુતિયાણા તાલુકાનાં ૩૧ ગામ, પોરબંદર તાલુકાનાં ૩૯ ગામ, રાણાવાવ તાલુકાનાં ૧૦ ગામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોરબંદર અને છાંયા શહેરી વિસ્તારોને પણ અસર કરશે. તંત્ર દ્રારા રાહત-બચાવ માટે તમામ આગોતરા પગલા લેવાયા છે. અધિકારીઓ સતત ફરજ બજાવવા સાથે લોકોના જાન-માલને નુકશાન ન પહોંચે તેની પુરતી તકેદારી લઇ રહ્યા છે.મંત્રી જયેશભાઇ રાદડીયા પોરબંદર ખાતે કેમ્પ રાખી જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓને સતત માર્ગદર્શન આપી રહ્યા છે તેમણે પોરબંદર શહેરના નીચાણવાળા વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટર મુકેશ પંડ્યાએ આ અંગે વધુમાં જણાવ્યુ હતું કે, તા.૧૩ અને ૧૪ જુન બે દિવસ વાવાઝોડુ વધુ જોખમી છે. આથી લોકો સલામત આશ્રયસ્થાનોમાં જ રહે બીન જરૂરી હેર ફેર ટાળે તેમજ તંત્રને સહયોગી બને તે આવશ્યક છે.
જિલ્લાનાં વધુ પ્રભાવિત થનાર વિસ્તારોમાં વર્ગ-૧ ના અધિકારીઓની નિમણૂંક કરી જે-તે સ્થળે કેમ્પ રાખવા જણાવાયું છે. પશુધનની જાનહાની અટકાવવા પશુધનને છુટા રાખવા પણ જિલ્લા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો છે. જિલલા પ્રભારી સચિવ લલીત પાડલીયા પણ પોરબંદર ખાતે રોકાણ કરી તંત્રને માર્ગદર્શન આપી રહયા છે.
પોરબંદર જિલ્લામાં આપત્તિનાં સમયે ૧૦૭૭ ટોલ ફ્રી નંબર પર કોલ કરો.
ચોમાસાની સિઝન ચાલુ હોવાથી પોરબંદર જિલ્લામાં કુદરતી/માનવસર્જિત આપત્તિનાં સમયે ખેડુતો, ખેત મજુરો,માલધારીઓ, ગ્રામજનો, પ્રજાજનો, બહારથી આવતા પ્રવાસીઓ વગેરે આપત્તિનાં સમયે સરળતાથી સં૫ર્ક કરી શકે તે માટે જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (કલેકટર કચેરી પોરબંદર) ખાતે ચોવીસ કલાક (૧૦૭૭) ટોલ ફ્રી નબંર કાર્યરત છે. જેથી આપત્તિના સમયે કંટ્રોલરૂમના ટોલ ફ્રી નંબર ૧૦૭૭ અને લેન્ડ લાઇન નં. ૦૨૮૬-૨૨૨૦૮૦૦ પર સંપર્ક કરવા જિલ્લા કલેકટર મુકેશ પંડ્યાની યાદીમાં જણાવાયું છે.
રાજ્યમાં વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇને પશુધનના રક્ષણ માટે પશુપાલકોએ યોગ્ય તકેદારી રાખવા પશુપાલન વિભાગ દ્વારા જણાવાયું છે.

વાવાઝોડુ – અતિવૃષ્ટિ પહેલાના પગલાં
• ટીવી, રેડીયો અને સરકારી માધ્યમથી મળેલ સૂચનાઓનો અમલ કરવો અને અફવાઓથી દૂર રહેવું.
• આસપાસના પશુચિકિત્સકોની ફોન નંબર સાથેની માહિતી હાથવગી રાખવી.
• પશુઓને ખુલ્લા અને ઊંચા સલામત સ્થળે ખસેડવા.
• પશુધન માટે સૂકાચારા તથા સ્વચ્છ પાણીનો પૂરતા પ્રમાણમાં યોગ્ય સ્થળે સંગ્રહ કરવો.

વાવાઝોડુ – અતિવૃષ્ટિ દરમિયાનના પગલાં
• પશુઓને ખીલે બાંધવા નહીં.
• પશુઓને ઝાડ, છાપરા નીચે, જર્જરીત રહેઠાણ કે દીવાલ નજીક રાખવા નહીં.
• પશુધનને વિજળી થાંભલા પાસે/સાથે બાંધવા નહીં.
• ઘેટાં, બકરાં, મરઘાં જેવા પશુ-પક્ષીઓ ગુંગળાઇ ન જાય તે માટે તકેદારી રાખવી.
વાવાઝોડુ- અતિવૃષ્ટિ બાદના પગલાં
• ઇજાગ્રસ્ત/બિમાર પશુઓની નજીકના પશુ સારવાર કેન્દ્ર ખાતે તાત્કાલિક સારવાર કરાવવી.
• ગામમાં ચેપી રોગચાળા જેવી પરિસ્થિતિની જાણ નજીકના પશુ દવાખાના ખાતે તુરંત કરવી.
• પશુ રહેઠાણમાં ઝેરી જીવજંતુની ચકાસણી કર્યા બાદ પશુ રાખવા.
• વાવાઝોડા બાદ તનાવગ્રસ્ત પરિસ્થિતિમાં અગમચેતીના પગલાંરૂપે રસીકરણ કરાવવું.
• મૃત પશુઓ માટે ઊંડો ખાડો ખોદી રાસાયણિક પાઉડરનો છંટકાવ કરી વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવો.
પોરબંદર ૧૦૮ ની ટીમ પણ તૈયાર
ગુજરાત ઈ એમ આર આઈ ના અધિકારીએ આજ રોજ પોરબંદર જિલ્લાની સમીક્ષા કરી હતી. જેમાં તેમણે 108ની અંગે માહિતી આપી હતી. તેમજ જિલ્લામાં કેવી રીતે કામ કરવું તેના વિશે જાણકારી આપી હતી.ગુજરાતમાં 108ની ટીમના અધિકારી સતીષ પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં 585 જેટલી 108 એમ્બ્યુલન્સ કામ કરી રહી છે. વાયુ વાવાઝોડાના પગલે તમામ સ્ટાફની રજા કેન્સલ કરવામાં આવી છે. આ ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારોમાં ખાસ કરીને નજીકમાં આવેલી હૉસ્પિટલમાં પણ સ્ટાફને સતર્ક કરી દેવામાં આવ્યો છે.” પોરબંદર જિલ્લામાં સાત એમ્બ્યુલન્સ કાર્યરત કારઇ છે અને દવાનો વધુ જથ્થો પણ સ્ટૉક તરીકે રાખવામાં આવ્યો છે. જો જરૂર પડશે તો નજીકના જિલ્લાઓમાંથી પણ 108 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવશે. આમ, 108ની ટીમેે પરિસ્થિતીને પહોંચી વળવા માટે તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરી છે. સાથે ભવિષ્યમાં કોઇ અડચણ ઉભી ન થાય તે માટે ચોક્ક્સ બાબતો વિશે ચર્ચા કરી હતી. સાથે લોકોને પણ સજાગ રહેવાની અને જરૂર પડતાં તરત જ 108ની સેવા લેવા માટે જણાવવામાં આવ્યું હતુ.

વાવાઝોડા સંદર્ભે જાંબુવંતી ગુફાના સ્થાને ભીમ અગીયારસ ઉજવણી મહોત્સવ રદ
રાણાવાવ પાસે જાંબુવતી ગુફાના સ્થાને સંતશ્રી રામેશ્વરદાસજી બાપુના બ્રહ્મણીન દિન-ભીમ અગીયારસ તા.૧૩-૦૬-૧૯ ઉજવણી મહોત્સવ સંભવિત વાવાઝોડા સંદર્ભે રદ કરવામાં આવેલ છે. આ ઉજવણીમાં બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવવા સાથે ધર્મોત્સવમાં સહભાગી થાય છે. હવામાન ખાતાની વાવાઝોડાની આગાહી સંદર્ભે આ ધર્મોત્સવ રદ કરવામાં આવ્યો હોવાનું મહામંત્રી સંતશ્રી રામેશ્વરદાસજી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.