પોરબંદર
પોરબંદર ના વાંચન રસિકો માટે પોરબંદર ના જ એક શિક્ષક દ્વારા અનેરા અભિયાન નો પ્રારંભ કરાયો છે જેમાં દર મહિના ના પ્રથમ રવિવારે પુસ્તક પરબ નું આયોજન કરાયું છે જેમાં વાંચકો વિનામૂલ્યે પુસ્તકો વાંચન માટે લઇ જઈ શકશે

પોરબંદરના વાંચનના રસિકો માટે માતૃભાષા અભિયાન સંસ્થાના સહયોગથી રવિવારે 6-10-2019 ના રોજ પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધરમપુર પ્રાથમિક શાળાના શિક્ષક પુરણ ગોંડલિયાએ કમલા બાગ પાસે વિવિધ વિષયના ૨૦૦ જેટલા પુસ્તકો સ્ટોલ પર રાખ્યા હતા. હવેથી દર મહિનાના પ્રથમ રવિવારે સવારે ૮.૦૦ થી ૯.૩૦ ના સમય દરમિયાન નિયમિત રીતે પુસ્તક પરબ યોજાશે.આ પુસ્તક પરબની ખાસિયત એ છે કે અહીં કોઈ લવાજમ નથી, કોઈ ફી નથી.કોઈપણ વ્યક્તિ સ્ટોલ પરથી તેને ગમતું પુસ્તક લઈ જઈ શકે છે અને વંચાઈ જાય એટલે આવતા મહિને પરત કરી ફરીથી બીજા પુસ્તક લઈ જઈ શકે છે.એક વ્યક્તિ વધુમાં વધુ એક સાથે બે પુસ્તક લઈ જઈ શકે છે.વાંચવાની કોઈ સમય મર્યાદા નથી.અનુકૂળતાએ બદલાવી શકે છે.પોરબંદરનું આ પહેલું પુસ્તક પરબ હોઇ ૨૦૦ જેટલા પુસ્તકો સાથે પુરણ ભાઈએ શરૂઆત કરી છે.આવતા મહિને યોજાનારા પુસ્તક પરબમાં પુસ્તકો વધારવાનો લક્ષ્યાંક છે,જેથી વધુમાં વધુ લોકોને તેને ગમતા પુસ્તકો આપી શકાય.આજે આપણે સૌ જાણીએ છીએ કે આજે માતૃભાષા પ્રત્યે લોકોની ઉદાસીનતા જોવા મળે છે.અંગ્રેજી ભાષાનો મોહ વધતો જાય છે ત્યારે આપણી માતૃભાષાને પણ જીવંત રાખીએ.માતૃભાષા પ્રત્યે ગૌરવ અને આદર જન્મે તેમજ ગુજરાતી સાહિત્ય અને માતૃભાષાના વૈભવથી વધુમાં વધુ લોકો પરિચિત થાય એ હેતુથી આ પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પુસ્તક પ્રવૃત્તિમાં વિદુર ભાઈ જોશી એ પોતાનો સમય આપી સહકાર આપ્યો હતો અને આ પ્રવૃત્તિ સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.તમે પણ માતૃભાષાને જીવંત રાખવામાં તમારો સહયોગ આપી શકો છો.તમારી પાસે વધારા ના કોઈ પુસ્તકો પડ્યા હોય અથવા તો યથાશક્તિ પસંદગીના પુસ્તકો ખરીદીને પણ આ પરબમાં ભેટ આપી શકો છો.આ માટે પુરણ ગોંડલિયાએ તેમના ૯૯૧૩૩ ૭૧૩૮૮ આ નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.ઉલ્લેખનીય છે કે પુરણ ગોંડલિયાને પોરબંદર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પૂજ્ય ભાઇશ્રીના હસ્તે સન્માન મળ્યું છે.રાજ્ય કક્ષાએ પણ અનેકવિધ સન્માન થયા છે.વધુમાં રાષ્ટ્રપતિ એવોર્ડથી પણ તેઓ સન્માનિત છે.