પોરબંદર
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમશેભાઈ ઓઝાના માતુશ્રી પૂજ્યા લક્ષ્મીબાની આજે ગંગાસપ્તમીના પાવન દિવસે એમની દ્વિતીય પુણ્યતિથિ હોવાથી તે નિમિત્તે શ્રીહરિમંદિરમાં ઘ્વજારોહણ, શ્રીમદ્‌ ભગવદ્‌ગીતાપાઠ અને સંકીર્તન દ્વારા પૂજ્યબાને શ્રદ્રાજલિ સમર્પિત કરવામા આવી હતી .
પૂજ્ય ભાઈશ્રીના અનુજ ગૌતમભાઈ ઓઝા તેમજ તેમના પરિવાર દ્વારા શ્રીહરિ મંદિરના તમામ શિખરોની ઘ્વજાનું વિધિવત્‌ પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ શ્રીમદ્‌ ભગવદ્‌ગીતાના પંદરમાં અધ્યાયના પાઠ, શ્રીહરિ નામ સંકીર્તન તેમજ સ્તોત્ર દ્વારા પૂજ્યબાને શ્રદ્રાજલિ સમર્પિત કરવામા આવી હતી. આ ક્ષણે આદરણીય ગૌતમભાઈ ઓઝાએ પૂજ્યબાના સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે જ્યારે જ્યારે પૂજ્યબા સાંદીપનિ માં આવતા ત્યારે તે સાંદીપનિની ભૂમિ પર પગપાળા જ ચાલીને વિચરણ કરતા, એમને ચપ્પલ પહેરવાનું કહેવામાં આવે તો પણ તેઓ ચપ્પલ ન પહેરતા પગપાળા જ વિચરણ કરતા. પૂજ્યબા દરેક કથા અને અનુષ્ઠાન વ્યાસપીઠના સમ્મુખે જ બેસીને સાંભળતા અને અનુષ્ઠાન કરતા. જેમ કે વર્ષ ૨૦૦૬માં શ્રીહરિ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજ્ય ભાઈશ્રીના વ્યાસાસને થયેલી શ્રીમદ્‌ ભાગવતકથા, ૨૦૧૩માં પૂજ્ય મોરારિબાપુના વ્યાસાસને થયેલી શ્રીરામકથા તથા દરેક નવરાત્રિ અનુષ્ઠાનમાં અને સત્સંગમાં અધિકાંશ વ્યાસપીઠની સમ્મુખે અને નીચે બેસીને કથાનું શ્રવણ અને અનુષ્ઠાન કરતા. આ સાથે ગૌતમભાઈએ ગગાસપ્તમી પર્વની કથા કહીને કહ્યું કે જેવી રીતે વામન ભગવાને પોતાના કમંડલુના જળમાંથી ગંગાજીને સ્થાપિત કર્યા એવી રીતે આજના દિવસે તમામ ગંગાસ્વરૂપ માતૃશકિત આપણને પવિત્ર કરે અને એ ભાવથી આપણે પણ આ દિવસે પૂજ્યબાની દિવ્યચેતનાને પ્રણામ કરીએ અને આશીવાદ મેળવીએ.
અંતમાં ઉપસ્થિત સાંદીપનિ પરિવારના તમામ ટ્રસ્ટીઓ, સાંદીપનિ ઋષિકુળ અને ગુરૂકુળના પ્રિન્સીપાલ અને શિક્ષકો, ઉપસ્થિત અતિથિગણ અને સર્વે ઋષિકુમારોએ પૂજ્યબાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને પ્રણામ નિવેદિત કર્યા હતા તેમજ અંતમાં ગૌતમભાઈ ઓઝા અને તેમના પરિવાર દ્વારા શ્રીહરિ મંદિરના તમામ શિખરો પર શ્રીહરિ નામસંકીર્તન સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું .