પોરબંદર

પોરબંદરમાં ગૃપ ઓફ સિનીયર સિટીઝન્સ દ્વારા ગાંધીજયંતિની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રામાણિકતા દાખવીને નિષ્ઠાપૂર્વક જીવન જીવતા વૃદ્ધનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
પોરબંદરમાં ભીમેશ્વર મહાદેવ મંદિર સામે વિશાળ વડલાના વૃક્ષની છત્રછાયા નીચે સુખી, સંપન્ન અને સંતુષ્ટ વરિષ્ઠ નાગરિકોનું એક સરસ મજાનું મંડળ ચાલે છે. આ મંડળ દ્વારા પોરબદરના પનોતા પુત્ર મોહનદાસ કરમચંદ ગાંધીના બીજી ઓકટોબરના જન્મદિવસની વિશ્વવિભૂતિને છાજે તેવી શાનદાર ઉજવણી કરવામાં આવી હતી .
સમગ્ર વિશ્વમાં પોરબંદર ગાંધી, સુદામા અને વિવેકાનંદને લીધે મુઠ્ઠી ઊચેરૂં સ્થાન ધરાવે છે. આ ત્રણ મહાનુભાવોએ પોરબંદરને જગતના નકશામાં કદી પણ ભૂલી શકાય નહીં તેવું અજર અમર સ્થાન અર્પણ કર્યું છે, વરિષ્ઠ નાગરિકોમાં થી ૪૦ વર્ષનો પત્રકારનો અનુભવ ધરાવતા નાથાભાઈ ઓડેદરાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે પોરબંદર તરફથી ભારતને ગાંધીજી જેવા મહાપુરૂષ મળ્યા જેણે સત્ય અને અહિંસાના માર્ગે દેશને આઝાદી અપાવી. પૂજ્ય બાપુના નામથી રાષ્ટ્રપિતા તરીકેનું ગૌરવવંતુ સ્થાન મેળવ્યું. ૧૯૧૫ માં ગાંધીજી પોરબંદરના જ મેમણ ઝવેરી શેઠની વકીલાત છોડીને અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને મુક્ત કરાવવાની પ્રતિજ્ઞા સાથે આવ્યા ત્યારે તેમની કમાણી વાર્ષિક ૧૫,૦૦૦ રૂપીયાની હતી. આજની દ્રષ્ટિએ આ રકમ બે થી અઢી કરોડ રૂપીયાની થાય. આવો ત્યાગ માત્ર ગાંધીજી જ કરી શકે. વિશ્વને આવી વિરલ વ્યક્તિનું પ્રદાન પોરબંદરની ધરતીએ કર્યું એ જેવી-તેવી વાત ન ગણાય. શ્રી કૃષ્ણસખા સુદામાની આ નગરીએ સ્વામિ વિવેકાનંદને પણ સનાતન હિન્દુ ધર્મના રક્ષક તરીકે સમગ્ર વિશ્વમાં સ્થાપિત કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. સ્વામિ વિવેકાનંદના પુસ્તકોના વાંચન બાદ ગાંધીજીની દેશભક્તિ હજાર ગણી વધી ગયેલી તેનો ખુદ ગાંધીજીએ સ્વીકાર કર્યો છે.
ડો. જનકભાઈ પંડિત અને માધવાણી કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ પી.એમ. જોષીએ પણ ગાંધીજીના સત્ય અને અહિંસાના વિવિધ પ્રદાનની ચર્ચા કરી યુગપુરૂષને બિરદાવ્યા. પોરબંદર એ કોઈ સાધારણ શહેર નથી, રત્નાકર મહારાજે આ શહેરને અનેક માનવરત્નોની ભેટ આપી છે.
બીજી ઓક્ટોબરના આ મહાન દિવસે વરિષ્ઠ નાગરિકોએ પોતાના જ એક સભ્ય મોહનલાલ છગનલાલ વેગડનો જન્મદિવસ પણ ઉજવ્યો. ભંગારની રેકડી ફેરવીને જીવનનિર્વાહ ચલાવતા આ મોહનભાઈ આમ તો નાના માણસ પણ ગાંધીજીનો જીવનસંદેશ પોતાના જીવનમાં ઉતારી નખશિખ પ્રામાણિક જીંદગી જીવી અન્યને પ્રામાણિકતા, વિશ્વાસ, વફાદારી, સ્વચ્છતા, સત્ય અને અહિસાનો સંદેશ સતત આપતા રહે છે. તેમની જીંદગીના કેટલાક ઉદાહરણો નોંધવા જેવા છે. ભંગારની રેકડીમાં પસ્તી ભેગા મકાનના કિંમતી મૂળ દસ્તાવેજો આવી જાય છે. ચાંદીના કિંમતી બટન આવે છે, કિંમતી સિક્કો-ઘડીયાળ આવે છે. આ બધું મોહનભાઈ માલિકને શોધીને પરત કરે છે. વજનમાં કોઈ ગોલમાલ કરતા નથી. સાત વર્ષની વયે જ માતા-પિતાનું છત્ર ગુમાવનાર મોહનભાઈએ નાનપણમાં સિનેમાનો શોખ પૂરો કરવા માટે મહાદેવના મંદિરમાંથી પરચૂરણની ચોરી કરી તેની પણ નિખાલસતાથી કબુલાત કરે છે. સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી વરિષ્ઠ નાગરિકો જ્યાં બેસે છે તે વિશાળ વડલા હેઠળ જરાપણ કચરો રહેવા દેતા નથી. જાતે જ સફાઈ કરે છે. ખરેખર ઉમદા વ્યકિતત્વ. પત્રકાર ઘનશ્યામભાઈ મહેતા અને સેવાભાવી ડો. સુરેશભાઈ ગાંધીએ મોહનભાઈને ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગ છોટુભાઈ ટેવાણી (શાસ્ત્રીજી), મણીભાઈ થાનકી, રામભાઈ વિસાણા, સી.વી. વ્યાસ, લક્ષ્મણભાઈ સીડા, ભાનુભાઈ છેલાવડા,અકબરભાઈ સોરઠીયા ,મેરામણભાઈ મોઢવાડીયા અને નિવૃત કેળવણી અધિકારી વજુભાઈ દાવડાએ હાજર રહી દીપાવ્યો હતો.