પોરબંદર
પોરબંદર શહેર માં આવેલ ધ્રુવનારાયણ પરોઠા હાઉસ ખાતે તાજેતર માં રાજુલા ની એક પ્રાથમિક શાળા ના શિક્ષક હિરેનભાઈ જોશી અને તેમની સાથે ખેલ મહાકુંભ ની ઝોન કક્ષા ની કબડ્ડી સ્પર્ધા માં રમવા આવેલ અન્ડર -૧૪ ટીમ ની ૧૨ જેટલી બાળાઓ જમવા માટે ગઈ હતી. જમ્યા બાદ રેસ્ટોરન્ટ ના માલિક ભાર્ગવભાઈ બાપોદરા એ તેમની પાસે થી બીલ ની રકમ લેવા ઇનકાર કર્યો હતો. જે અંગે રાજુલા ના શિક્ષક હિરેનભાઈ જોશી એ સોસ્યલ મીડિયા માં એક પોસ્ટ મૂકી છે. શા માટે ભાર્ગવભાઈ એ બીલ લેવાનો ઇનકાર કર્યો હતો તે જાણીએ શિક્ષક હિરેનભાઈ ના જ શબ્દો માં

તા.5/10/2019 ના રોજ પોરબંદર મુકામે ઝોન કક્ષાના ખેલ મહાકુંભ અંતર્ગત મારે મારી શાળાની દીકરીઓની અંડર-14 ની ટીમ લઈને આવવાનું થયું. અમારી ઇવેન્ટ તા.6/10/2019, રવિવારના રોજ હતી અને અમને રિપોર્ટિંગ કરવાનો સમય સવારે 8 થી10 કલાક વચ્ચેનો આપ્યો હતો. મારી શાળાથી પોરબંદરનું અંતર લગભગ 275 કિમી જેટલું છે. ઉપરાંત રસ્તો પણ ખૂબ જ ખરાબ હોવાથી મેં રજુઆત કરેલ કે અમે આગળના દિવસે પહોંચી શકીએ. બીજા દિવસે રિપોર્ટિંગ ના સમયે પહોંચવું મુશ્કેલ છે. પરંતુ આયોજકો દ્વારા મને સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો કે આગલા દિવસે રાત્રિ રોકાણની કોઈ જ વ્યવસ્થા નહિ થાય. જેથી અમે આગળના દિવસે બપોરની બસ દ્વારા બપોરે 11.10 કલાકે રાજુલાથી રવાના થયા અને રાત્રે 8.20 કલાકે પોરબંદર પહોંચ્યા. અમે અમારી જવાબદારી સમજીને અગાઉથી પોરબંદર LCB માં ફરજ બજાવતા હોથીભાઈ ને અમારી પરિસ્થિતિથી વાકેફ કરેલ. જેથી તેઓએ ચેમ્બર ઓફ કોમર્સ, પોરબંદરના પ્રમુખ જીજ્ઞેશભાઈ કારીયા ને આ અંગે જાણ કરી.જેઓએ અમારી મુંઝવણ સમજી અને અમારા રાત્રીરોકાણની વ્યવસ્થા કરી આપી. જે બદલ શ્રી કોટડી પ્રા. શાળા આભારી રહેશે.
હવે અમે બાળકો થાકેલા અને સવારના ભૂખ્યા હોવાથી જમવા જવા માટે નજીકની બજારમાં નીકળ્યા. ફરતા ફરતા ” ધ્રુવનારાયણ પરોઠા હાઉસ ” નામનું બોર્ડ દેખાયું. અમે ત્યાં ગયા. ઉપર જતા મારી નજર ત્યાં લગાવેલા ભાવ પત્રક પર ગઈ એટલે શિક્ષક સહજ સ્વભાવે મારા મનમાં ગણતરીઓ ચાલવા લાગી. આંગળીના ટેરવાઓ ફરવા માંડ્યા. હું આજુબાજુની પરિસ્થિતિથી બિલકુલ અજાણ હતો પરંતુ મારી આ ચેષ્ટાઓને બાજુમાં કાઉન્ટર પર બેઠેલા પરોઠા હાઉસના માલિક બરાબર નિહાળી રહ્યા હતા. તેમણે મને તેમની પાસે બોલાવીને પૂછ્યું .. શુ થયું સાહેબ.. એટલે મેં તેમને ભાવ વિશે પૃચ્છા કરી. એમણે એક જ વાક્ય કીધું કે દીકરીઓને જમવાનું છે ને… બસ મને તેમનો આ ભાવ સ્પર્શી ગયો.
ત્યારબાદ દિકરીઓએ પેટ ભરીને જમ્યું અને તેઓએ પ્રેમપૂર્વક બધાને જમાડ્યા. જે કઈ પણ પીરસાતું તે તેમના કામ કરતા માણસો તેમને આવીને બિલમાં લખાવી જતા ને તેઓ લખતા જતા. બધાએ જમી લીધું એટલે મેં તેમને જઈને પૂછ્યું…’ કેટલું બિલ થયું..?’
તેમનો જવાબ સાંભળીને હું ડઘાઈ ગયો. તેમણે કહ્યું.. સાહેબ નવરાત્રિ ચાલે છે. આજે તો મારે ત્યાં સાક્ષાત માતાજીઓ આવી છે. તેના પૈસા હું કઈ રીતે લઈ શકું. મેં ખૂબ આનાકાની કરી પણ તેઓ એકના બે ન થયાં. આ વ્યક્તિને મળીને લાગ્યું કે હજી માણસાઈ, ખુમારી અને જીંદાદિલી વાળા માણસો છે આ વિશાળ દુનિયામાં.
એ વ્યક્તિનું નામ છે..ભાર્ગવભાઈ બાપોદરા (મળવા જેવો માણસ)શિક્ષક હિરેનભાઈ દ્વારા લખાયેલી આ પોસ્ટ સોસ્યલ મીડિયા માં પણ ખુબ વાઈરલ થઇ છે અને લોકો પણ ભાર્ગવભાઈ ના સરાહનીય કાર્ય ને બિરદાવી રહ્યા છે. શિક્ષક અને ટીમ ની બાળાઓ એ યાદગીરી માટે ભાર્ગવભાઈ સાથે સેલ્ફી પણ લીધી હતી.

આ અંગે પોરબંદર ટાઈમ્સ સાથે વાત કરતા રાજુલાના શિક્ષક હિરેનભાઈ જોશી એ એવું જણાવ્યું હતું કે ગાંધીભુમી પોરબંદર ખાતે પગ મુક્યા બાદ તેમને સારો અને ખરાબ એમ બન્ને અનુભવ થયા હતા તેથી જેઓએ તેમને મદદ કરી હતી તેમને બિરદાવવા જ તેઓએ આ પોસ્ટ સોસ્યલ મીડિયા માં મૂકી હતી
આ અંગે ધ્રુવનારાયણ પરોઠા હાઉસ ના માલિક ભાર્ગવભાઈ બાપોદરા ને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે નવરાત્રી ના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે આપણે આંગણે આટલી દીકરીઓ આવી હોય તે સારી વાત છે અને દીકરીઓ ના પૈસા ન લેવાય ..દીકરીઓ જમવા આવી ત્યારે જ તેઓએ મનોમન તેમના પૈસા ન લેવાનું નક્કી કર્યું હતું પરંતુ જો તેઓ અગાઉ થી આ અંગે તેઓને જાણ કરે તો શિક્ષક તથા દીકરીઓ ને જમવા માં સંકોચ થાય આથી તેઓએ તમામ લોકો જમ્યા પછી જ બીલ લેવાનો ઇનકાર કર્યો હતો
મહાત્મા ગાંધીજી ની જન્મભૂમી પોરબંદર ખાતે પરોઠા હાઉસ ના માલિક તેમજ પોલીસકર્મી અને ચેમ્બર પ્રમુખ દ્વારા રાજુલા થી આવેલ શિક્ષક તથા તેમની ટીમ ની સંપૂર્ણ વ્યવસ્થા સાચવવામાં આવતા તેઓ પણ ગાંધીભુમી ના લોકો ની એક સારી છાપ લઇ અને રાજુલા ખાતે ગયા હતા અને ત્યાં પણ તેઓએ પોરબંદર વાસીઓ ની પ્રશંશા કરી હતી