પોરબંદર
પોરબંદર ખાતે ૧૫૦ વિઘા જમીનમાં પથરાયેલ ખાપટ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં રૂ ૫ કરોડના ખર્ચે નિર્મિત “મહાત્માં ગાંધી” બોયઝ હોસ્ટેલનું કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી આર.સી.ફળદુએ આજે લોકાર્પણ કર્યુ હતું. ત્રણ માળની આ હોસ્ટેલમાં ૧૮૯ વિધાર્થીઓની ક્ષમતા સાથે ૬૩ રૂમનુ નિર્માણ કરાયું છે.
ખાપટ ખાતે ત્રણ વર્ષ પહેલા શરૂ કરાયેલ કૃષિ કોલેજના વિધાર્થીઓને અધતન હોસ્ટેલની ભેટ આપી કૃષિ મંત્રી એ કહ્યુ કે, સરકાર વ્યવસ્થાનુ નિર્માણ કરે, સવલત આપે ત્યારે કૃષિના વિધાર્થીઓએ કૃષિક્ષેત્રમાં સતત ચિંતન મનન અને નિષ્ઠાથી અભ્યાસ કરી કૃષિના ઋૃષિ બની ખેડુતો માટે તેના જ્ઞાન-તજજ્ઞતાને નિખારવાની છે. ખેડુતોને એટલા સક્ષમ બનાવો કે વિશ્વના પટ ઉપર આપણું ખેડુતોનું ખેત ઉત્પાદન ગુણવાતામાં શ્રેષ્ઠ બને.
વિધાર્થીઓને આત્મ વિશ્વાસથી ધ્યેય તરફ આગળ વધવા પ્રેરીત કરી, કૃષિમંત્રીએ કહ્યુ કે, કૃષિ ક્ષેત્રે વધુ પડતા રાસાયણિક ખાતર અને દવાનો વપરાશ કોઇ રીતે યોગ્ય નથી. ભારત કૃષિ પ્રધાન દેશ છે, ત્યારે કૃષિના વિધાર્થીઓ તજજ્ઞોએ યોગ્ય માર્ગદર્શન આપી ખેડુતોની આવક બમણી કરવામાં મદદરૂપ થાય તે આજના સમયની તાતી જરૂરીયાત છે તેમ ફળદુએ ઉમેર્યુ હતુ.
આ પ્રસંગે પોરબંદરનાં ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ કહ્યુ કે, કૃષિ શ્રેષ્ઠ વ્યવસાય છે, કૃષિ અને પશુપાલન બે જ એવા વ્યવસાય છે. જેમાં પર્યાવરણનુ જતન થાય છે. કૃષિ ક્ષેત્રે અનેક સંભાવનાઓ પડેલી છે. ખેડુતોને ખેતી માટે યોગય માર્ગદર્શન આપવાની જવાબદારી કૃષિ વિધાર્થીઓની છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટિના કુલપતી એ.આર. પાઠકે જણાવ્યું કે, ૩ વર્ષ પહેલા શરૂ કરાયેલ કૃષિ કોલેજ આજે પૂર્ણ રૂપે કાર્યરત છે.આ માટે તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવાની સાથે વિધાર્થીઓને સારા શિક્ષણ, સારા સ્વાચ્થ્ય માટે સુભેચ્છા પાઠવી હતી.
કૃષિ મહાવિધાલયમાં અભ્યાસ કરતાં વિધાર્થી સંજય આંબલીયાએ જણાવ્યું કે, નવી હોસ્ટેલનાં નિર્માણથી છાત્રોને મહત્વની સુવિધાઓ મળી શકશે. રવિ સરવૈયાએ કહ્યુ કે, હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ થતા હું મોકળાશ અનુભવુ છું. હોસ્ટેલ રૂમમાં સ્વતંત્ર કબાટ, ટેબલ, બેડ સહિતની સુવિધા પુરી પાડવા બદલ તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
અરવલ્લી જિલ્લામાંથી અભ્યાસ કરવા આવેલો વિધાર્થી તેજસે હર્ષ સાથે કહ્યુ કે, હોસ્ટેલમાં ડાયનિંગ હોલ, જીમ, ટેબલ,ટેનિશ/રૂમની સુવિધા મળી છે. જે ખુબ જ મહત્વનું છે. રાહુલ બ્રાંભોલીયાએ કહ્યુ કે, હોસ્ટેલમાં રીડીંગ હોલ, લાઇબ્રેરી, રીક્રીએશન રૂમ સહિતની સુવિધા મળતા એકાગ્રતામાં વધારો થશે.
લોકાર્પણ સમારોહના પ્રાંરભે કૃષિ યૂનિ. સંશોધન નિયામક ડો વી.પી. ચોવટીયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ પ્રસંગે પોરબંદર નગરપાલીકા પ્રમુખ અશોક ભદ્રેચા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.કે. અડવાણી, પ્રાંત અધિકારી કે.વી બાટી, વિસ્તરણ શસ્ક્ષણ નિયામક ડો. રાજાણી, અગ્રણી વિક્રમભાઇ ઓડેદરા,જીલ્લા ભાજપ યુવા મોરચા ના પ્રમુખ અજય બાપોદરા, ખાપટ કૃષિ કોલેજના આચાર્ય આર.કે. ઓડેદરા, કાર્યપાલક ઇજનેર બી.એન. ઉમટ સહિત કુષિ કોલેજના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રધ્યાપક ડો. ગોરફાડ અને આભારવિધી કૃષિ .યુનિ.ના કુલ સચિવ ડો. પી.એમ ચૌહાણે કરી હતી.