પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર
પોરબંદર જિલ્લો ખેતી આધારીત જિલ્લો છે, પોરબંદર જિલ્લાના ૮૦ ટકા જેટલા ખેડુતો ચોમાસુ પાક તરીકે મોટાભાગે મગફળીનું વાવેતર કરે છે, ગત વર્ષે અપુરતા વરસાદને કારણે તેમજ સિંચાઈની સવલતોના અભાવે ખેડતોએ વાવેતર કરેલ મગફળીનો પાક સદંતર નિષ્ફળ ગયેલ હોય મોટાભાગના ખેડુતો પાસે આગામી દિવસોમાં ચોમાસુ પાકમાં વાવેતર કરવા માટે મગફળીનું બિયારણ ઉપલબ્ધ નથી. આથી ગુજરાત સરકારના કૃષિ વિભાગે પોરબંદર જિલ્લાના ખેડુતોના આ પ્રશ્નને ગંભીરતાથી લઈ ગુજરાત બિજ નિગમ દ્રારા ગુણવત્તાયુકત મગફળીના બિયારણનો જથ્થો સહકારી સંસ્થાઓ મારફત ખેડૂતોને રાહતદરે સમયસર ફાળવવા અંગે યોગ્ય કાર્યવાહી કરવાની પોરબંદર જિલ્લા યુવક કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દેવશી મોઢવાડિયાએ ગુજરાત સરકારના મુખ્યમંત્રી, કૃષિમંત્રી અને ગુજરાત બીજ નિગમના ચેરમેનને પત્ર પાઠવી રજુઆત કરી છે. આ અંગે દેવશી મોઢવાડિયાએ કરેલ રજુઆતમાં વધુમાં જણાવ્યું હતું કે અમારી જાણમાં આવ્યા મુજબ ગુજરાત બીજ નિગમ પાસે હાલમાં મગફળીનો બિયારણનો જથ્થો ખુબ જ મર્યાદીત છે, ખેડૂતોને મગફળીના બિયારણની કુલ જરૂરીયાત સામે ૧૦ ટકા જથ્થો પણ ગુજરાત બીજ નિગમ પાસે ઉપલબ્ધ નથી, એકતરફ મોટાભાગના ખેડુતોનો ગતવર્ષનો મગફળીનો ચોમાસુ પાક સદંતર નિષ્ફળ ગયો હોય ખેડતો તેમના મગફળીના ઉત્પાદનમાંથી આગામી ચોમાસુ વાવેતર માટે મગફળીનું બિયારણ રાખી શકયા નથી અને હાલમાં જે મગફળી બજારમાં ઉપલબ્ધ છે તે પણ બિયારણ લાયક ન હોય ખેડુતોએ ફરજીયાતપણે બજારમાંથી ઉંચા ભાવે જ મગફળીનું બિયારણ ખરીદવાની નોબત ઉભી થઈ છે. ઉપરાંત પોરબંદર જિલ્લામાં અમુક ખેડુતોએ બિયારણ માટે સંગ્રહ કરેલ મગફળીના જથ્થામાં ઈયળો અને મુંડા ના રોગના ફેલાવાને કારણે મોટાભાગના બિયારણો વાવવા લાયક રહયા નથી.એકતરફ ગુજરાત બિજ નિગમ પાસે મગફળીનો અપુરતો સ્ટોક છે ત્યારે ખેડુતોની બિયારણની માંગને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર દ્રારા ખાસ કિસ્સામાં ટેકાના ભાવે અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ દ્રારા ખરીદાયેલ મગફળીના જથ્થામાંથી ગુણવત્તાયુકત મગફળીનો જથ્થો અલગ તારવીને તેમાંથી મગફળીનું બિયારણ ખેડૂતોને રાહતદરે અને સમયસર ફાળવવા અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા પોરબંદર જિલ્લાના ખેડૂતો વતી પોરબંદર જિલ્લા યુવક કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દેવશી મોઢવાડિયાએ ગુજરાત સરકારના કૃષિમંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ લેખિતમાં માંગણી કરી છે.