પોરબંદર
જેસીઆઈ પોરબંદર પ્લસ છેલ્લા પાંચ વર્ષથી પોરબંદરના સામાજીક વિકાસ માટે અનેક પ્રકારના કાર્યક્રમોના સુંદર આયોજનો કરીને લોક ઘડતરમાં પોતાનું યોગદાન આપી રહી છે. આ આંતર રાષ્ટ્રીય સંસ્થાના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાના માર્ગદર્શન હેઠળ 36 સભ્યોની ટીમ સતત કાર્યરત રહે છે. જેસીઆઈ પોરબંદર દ્વારા વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમોની સાથે સાથે જે આરોગ્યલક્ષી સુંદર પ્રવૃત્તિઓ થઈ રહી છે તે બદલ જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાનું સંતરામ મંદિર હોસ્પિટલ નડિયાદના એડમિનિસ્ટ્રેટર કેયુર શુક્લના હસ્તે સન્માન પત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું.

દેશભરમાં આરોગ્યલક્ષી કામગીરીઓ કરતા સંતરામ મંદિર ટ્રસ્ટના પૂજય રામદાસ મહારાજ દ્વારા જેસીઆઈ પોરબંદરની કામગીરીને બિરદાવી અને સતત સમાજ સેવાના આવા કામો કરતા રહો તેવા આશિર્વચન પાઠવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે લાખણશી ગોરાણીયા જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ ઉપરાંત શહેરની અનેક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાઈને પોતાની સેવાઓ આપી રહયા છે. લાખણશીભાઈની આ અવિરત અને સુંદર કામગીરીની સંતરામ મંદિર હોસ્પિટલ નડિયાદે ખાસ નોંધ લીધી હતી અને તેઓની કામગીરીની કદર સ્વરૂપે બહુમાન કર્યું હતું.