પોરબંદર
જુનાગઢમાં રબારી સમાજ વિશે અભદ્ર શબ્દો બોલનારા શખ્શ સામે કડક પગલા ભરવા પોરબંદર જિલ્લા રબારી યુવક મંડળ દ્વારા કલેકટર ને આવેદન પાઠવાયુ છે.

પોરબંદર રબારી યુવક મંડળ દ્વારા કલેકટર ને પાઠવાયેલ આવેદન માં એવું જણાવ્યું છે કે જુનાગઢ શહેરના સુખનાથ ચોકમાં પોલીસ તપાસ અર્થે ગઈ હતી ત્યારે ભાજપના નગર સેવક દ્વારા અશોભનીય વર્તન કરાયેલુ હતુ.આ બાબતે સમગ્ર ગુજરાતમાં ચર્ચાઓ જાગી છે.અને આ બાબત સમગ્ર ગુજરાત પોલીસ અને જનતા માટે શરમજનક છે.આ બનાવમા ભાજપના કોર્પોરેટર રબારી સમાજ માટે ખુબજ અભદ્ર શબ્દો બોલે છે.અને સમગ્ર સમાજને ગાળો આપે છે.જે બનાવ બન્યો અને જેના માટે પોલીસ ત્યાં ગઈ હતી ત્યારે રબારી સમાજ કયાંય વચ્ચે નથી આવતો છતા પણ આ વ્યક્તિ દ્વારા બે સમાજમા વર્ગ વિગ્રહ થાય તેવુ કૃત્ય કરવા જાણી જોઈને ગાળા-ગાળી કરવામા આવી છે.જે બાબતેને સમસ્ત રબારી સમાજ આકરા શબ્દોમા વખોડે છે. સમાજમા આવા લુખ્ખા તત્વો ઝેર રેડવાના પ્રયાસો કરતા હોય તે બાબત ખૂબજ નિંદનીય છે.આવા બનાવોને કોઈ કાળે ચલાવી લેવાઈ નહી.જો આ બાબતો પર સરકાર અને વહીવટીતંત્ર કોઈ નક્કર પગલા નહી લે તો વર્ગ વિગ્રહ થવાની પુરી શક્યતાઓ છે.આવા બે-ચાર લેભાગુ લુખ્ખા તત્વોને અને આવી વિચાર સરણી વાળા લોકોને નાથવા જરૂરી છે.જેથી આ બનાવને ગંભીરતાથી લેવો જરૂરી છે.હાલ રબારી સમાજ અને રાજ્યના અન્ય સમાજના લોકો આ બાબતે ખુબજ ગંભીર છે.અને આ બાબતે ઉગ્ર પણ છે.જેથી સમાજને તોડનારા આવા હલકી વિચારધારા વાળા લોકોને આકરી સજા થવી જોઈએ અને આ બાબતે જરૂરી ગુના દાખલ કરી આકરી સજા કરવા રજુઆત કરવામા આવી છે.અને યોગ્ય નહી થાય તો આંદોલન ની ચીમકી પણ આપવામાં આવી છે આવેદન પાઠવવામાં પવનભાઈ કોડીયાતર,જેઠાભાઈ શામળા,મેરૂભાઈ સિંધલ ,દેવાંગભાઈ હુણ સહીત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા