પોરબંદર ના પ્રજાવત્સલ રાજવી શ્રી મહારાણા નટવરસિંહજી

પોરબંદર
આજે દશેરા છે ત્યારે પોરબંદર સ્ટેટ માં વરસો અગાઉ દશેરા નિમિતે અપાતી પશુબલી પોરબંદર ના જીવદયાપ્રેમી મહારાણા નટવરસિંહજી એ રદ કરાવી હતી તે ઐતિહાસિક ક્ષણ ઇતિહાસકારે તાજા કરી છે
શ્રી હનુમાનવંશી જેઠવા રાજપુત શૌર્ય ગાથા પુસ્તક ના લેખક અને ઇતિહાસકાર વીરદેવસિંહ પી.જેઠવા એ જણાવ્યું હતું કે પહેલાં જેઠવા રાજાઓ દરેક વિજ્યાદશમીએ પોતાની કુળદેવીશ્રી વિંધ્યવાસિની માાતાજીનાં દર્શન કરવા છાંયામાં પધારતા, તે પ્રસંગે એ માતાજીને બકરાંનો ભોગ આપવાની જુની રૂઢી હતી. અને શસ્ત્ર પુજન પછી પણ એક પાડાનો વધ થતો. મહારાણાશ્રી નટવરસિંહજી ગાદીપતી થયા પછી વિજ્યાદશમીનો પહેલ વહેલોજ જ્યારે ઉત્સવ ઉજવાયો, ત્યારે ઘણાની માન્યતા હતી કે આ રાજવી પણ પાછલા રાજાઓની પેઠે જુની રૂઢી પ્રમાણે આજે અવશ્ય જાનવરોનો વધ કરાવશે. ને એવી માન્યતાને લીધેજ તે કામની વ્યવસ્થા કરનારે એ જાતની તમામ પ્રકારની તૈયારી પણ જૂના રિવાજ પ્રમાણે કરી રાખી. તેમજ નામદાર મહારાણા સાહેબ દર્શન કરવા પધારતાં માતાને આવેશે ધુણનારા ભૂવાએ પણ રિવાજ પ્રમાણે જાનવરોના ભોગની સ્ટષ્ટ માગણી કરી. પરંતુ મહારાણાશ્રી નટવરસિંહજીના દયાળુ હ્રદયને આવી નિર્દોષ પશૂહિંસા પસંદ પડી નહિ. એ રાણાશ્રીએ તીવ્ર મતિને તરતજ જણાયું કે વિશ્વનું પાલન કરનારી દયાળુ જગદંબા માં ભગવતી કુળદેવીમાં ને બિચારાં નિર્દોષ પ્રાણીઓનો વધ કરવાનું કદિ પસંદ પડેજ નહિ. આથી રાણાસાહેબે રંક અને અનાથોને ભોજન જમાડવા રૂપે માતાને પુષ્કળ ભોગ ધરાવ્યો. પણ દશેરા નિમિત્તે થતી પશુહિંસાનો સદાને માટે રાજ્યમાંથી ત્યાગ કર્યો.
આજે પણ મૂંગા પશુઓ પ્રત્યે પોરબંદર ના મહારાણા નટવરસિંહજી ની લાગણી અને પ્રેમ લોકો યાદ કરે છે આ ઘટના નો ઇતિહાસકાર વીરદેવસિંહ પી.જેઠવાએ પોતાના પુસ્તક માં પણ ઉલ્લેખ કર્યો છે.