પોરબંદર ના બંદર પર એક નંબર નું સિગ્નલ લગાવાયું

પોરબંદર
અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે. વેરાવળથી 930 કિમી દૂર દરિયામાં સર્જાયેલું ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તીત થશે. જેને લઇને પોરબંદર સહીત સૌરાષ્ટ્રના દરેક બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાડવા માં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી દેવામાં આવી છે. ૧૧ થી ૧૪ જુન વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહીના પગલે પોરબંદર સહીત સૌરાષ્ટ્રના બંદરો પર હોડીઓ લાંગરી દેવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. જાફરાબાદ, ઉના, વેરાવળ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના બંદરો પર ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ માછીમારોને સાવચેત રહેવાની તાકીદ પણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યના તમામ પોર્ટ પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પોરબંદર બોટ એસોસિએશન દ્વારા પણ દરિયા માં રહેલી બોટો તેમજ પીલાણા ને તાત્કાલિક બંદર માં આવી જવા સુચના આપવામાં આવી છે.જો કે હાલ ફિશિંગ ની સીઝન પૂર્ણ થઇ ગઈ હોવાથી એક પણ બોટ દરિયા માં ન હોવાનું જાણવા મળે છે

પોરબંદર જિલ્લાવમાં તા.૧૧ જુનથી ૧૪ જુન સુધી વાવાઝોડાની આગાહિ હોવાથી કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.
હવામાન ખાતાની આગાહી અનુસાર તા.૧૧ જુન થી ૧૪ જુન દરમીયાન અરબી સમુદ્રમાં લો પ્રેસર ઉદભવવાની શક્યતાથી વાવાઝોડુ અને ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હોવાથી પોરબંદર જિલ્લા કલેકટર મુકેશ પંડયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
બેઠકમાં કલેકટર એ જણાવ્યુકે , તા ૧૧ જુનથી ૧૪ જુન સુધી વાવાઝોડુ અને ભારે વરસાદ હોવાની આગાહી છે તથા તા.૧૩ જુનના રોજ ભારે પવન સાથે વાવાઝોડુ ફુકાવાની સંભાવના હોવાથી અધિકારીઓને સુચના આપી કે માછીમારો દરિયામા પ્રવેશ ન કરે, માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત બોલાવવા, રેસક્યુ માટે ફાયરબ્રીગેડે તૈયાર રહેવુ, વાવાઝોડાની અસરથી રસ્તાઓ બ્લોક ન થાય તેની તકેદારી રાખવી, પ્રભાવીત ગામડાઓ સાથે સંપર્કમા રહેવુ, લોકોની આરોગ્યની સ્થિતિ જળવાઇ રહે તે ખાસ જોવુ, રસ્તાઓ પર લગાવેલા હોર્ડિગ્સ ઉતારી લેવા તથા કન્ટ્રોલ રૂમ સાથે સંપર્કમાં રહેવુ સહિતની સુચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, અધિક કલેકટર એમ.એચ.જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી ધાનાણી, પ્રાંત અધિકારી કે.વી બાટી સહિત કોસ્ટગાર્ડ, પોર્ટ, એરપોર્ટ, પાણીપુરવઠા સહિત કચેરીઓના અધિકારીઓ બેઠકમા ઉપસ્થિત રહયા હતા.

વાવાઝોડા ની પરિસ્થિતિ ને લઇ ને ગાંધીનગર ખાતે પણ ખાસ બેઠક મળી
ગુજરાતના વેરાવળથી દક્ષિણ-દક્ષિણ પૂર્વ દિશામાં ૯૩૦ કિ.મી. દૂર વાવાઝોડું આકાર લઇ રહ્યું છે, જેની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે એક સમીક્ષા બેઠકમાં સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આ બેઠકમાં પંકજકુમારે રાજ્યના વિવિધ વિભાગોને સંકલનમાં રહીને સંભવિત વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા માટે એક માઇક્રો પ્લાનીંગ તૈયાર કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ભારતના હવામાન ખાતાના હવામાનશાસ્ત્રી જયંત સરકારે વાવાઝોડાની સ્થિતિ વિશે વિશેષ માહિતી આપી હતી. જે મુજબ વેરાવળથી દક્ષિણ-અગ્નિ દિશામાં ૯૩૦ કિ.મી. દૂર જે ડિપ્રેશન સર્જાયું હતું તે હાલ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને આગામી ૧૨ તારીખ સુધીમાં તે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરવાની પૂરી સંભાવના છે. આ વાવાઝોડું ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાઇ-કાંઠાળા વિસ્તારને વધુ અસર કરશે. વાવાઝોડા દરમિયાન સમુદ્રના મોજાં બે મીટરથી વધુ ઉછળવાની સંભાવના છે. પવનની ઝડપ ૮૦ કિ.મી.થી વધીને ૧૦૦ કિ.મી. સુધી પહોંચવાની સંભાવના છે. કેટલાંક વિસ્તારોમાં પાંચ-સાત ઇંચ જેટલો ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે.

સંભવિત વાવાઝોડાની સ્થિતિ સંદર્ભે રાજ્ય સરકાર ભારતના હવામાન ખાતા અને ઇસરો સાથે સતત સંપર્કમાં રહીને પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહી છે. ખાસ કરીને રાહત-બચાવ કામગીરી કરનારી એજન્સીઓ, લશ્કર, હવાઇદળ, તટરક્ષક દળ, નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સને સજ્જ કરવામાં આવ્યા છે. દરિયામાં માછીમારી માટે ગયેલી અને પરત ફરી રહેલી બોટ ઝડપથી પાછી દરિયાકાંઠે સલામત જગ્યાએ આવી જાય તેવી સૂચનાઓ પણ આપવામાં આવી છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ બંદરો ઉપર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઇ પ્રવાસીઓને દરિયાકિનારે કે બીચ ઉપર સહેલગાહે નહીં જવા પણ જણાવાયું છે.

રાજ્ય સરકારે વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા આગોતરુ સધન આયોજન હાથ ધર્યું છે જેની વિગતો આપતા અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે વધુ માહિતી આપી હતી. તેમણે વીજળી, રસ્તા, મકાનો, વૃક્ષો વગેરેના નૂકસાનને પહોંચી વળવા સંભવિત વિભાગોને સંકલનમાં રહી સજ્જ થવા સુચના અપાઇ છે. જરૂર પડ્યે સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠાળા વિસ્તારમાં વાવાઝોડાની સ્થિતિ સામે રાહત-બચાવ કામગીરી અને સંભવિત સ્થિતિના સામના માટે મોકડ્રીલ કરવા સંબંધિત વિભાગોને જણાવાયું છે. આ વિસ્તારના નાગરિકોને સાવચેત રહેવા, જીવનજરૂરી ચીજવસ્તુઓ, પીવાનું પાણી, દવા-ચાર્જીંગ કરેલી બેટરી વગેરે હાથવગા રાખવા અને દરિયા નજીક નહીં જવા પણ જણાવાયું છે.

આ બેઠકમાં લશ્કર, હવાઇદળ, કોસ્ટગાર્ડ,એનડીઆરએફ, એસડીઆરએફના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત રાજ્ય સરકારના સંબંધિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓને ઉપસ્થિત રહી સંભવિત વાવાઝોડાની સ્થિતિ સંદર્ભે સમીક્ષા કરી હતી.